ભારતમાં 13મી સદીમાં થયેલ ભક્તિ આંદોલનને સામાજિક સુધારણા લાવી સાથે સાથે હિન્દૂ-મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતા નાબુદી અને પ્રાદેશિક ભાષાના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો.
ભક્તિ આંદોલન
જ્યારે દેશમાં અરાજકતા, કુરિવાજો, વર્ચસ્વ, અંધશ્રદ્ધા જેવા દુષણો વધી રહ્યા હતા, ત્યારે દક્ષિણ ભારતમાં સૌપ્રથમ રામાનુજાચાર્ય અને ઉત્તર ભારતમાં તેમના શિષ્ય રામાનંદ સ્વામી દ્વારા આ આંદોલનની શરુઆત થઈ.
મહત્વના સંતો રામનુજાચાર્ય, કબીર, વલ્લભાચાર્ય, માધવાચાર્ય, રામાનંદ સ્વામી, રૈદાસ અને તુલસીદાસ હતા.
પ્રાદેશિક ભાષાના વિકાસને પ્રોત્સાહન
1. સંસ્કૃત જેવી ભાષાના શ્લોકોનું રૂપાંતર હિન્દી, ગુજરાતી, અવધી, ગુરુમુખીમાં કરી સામાન્ય જનતા સુધી પહોંચતી કરી. ઉદા. તુલસીદાસ દ્વારા રચિત રામચરિત માનસ-અવધી ભાષામાં.
2. તેમના ભાષણો, ઉપદેશો અને સાહિત્યની રચના પણ પ્રાદેશિક ભાષામાં થઈ. ઉદા. કબીર દ્વારા દોહા, નરસિંહ મહેતાના ઉપદેશ આપતા ભજન, જ્ઞાનેશ્વરની ગીતા ઉપદેશ.
3. વર્ચસ્વના અધિકારને દૂર કરવા ભાષાનો ઉપયોગ જેમ કે સંસ્કૃત માત્ર બ્રાહ્મણો પૂરતી ના રાખતા રામાનંદ સ્વામી દ્વારા તમામ જાતિના શિષ્યો માટે અનુવાદ થકી ઉપદેશ આપતા.
4. ગુરુનાનક જેમણે શીખ ધર્મ આપ્યો તેઓ ગુરુમુખી લિપિમાં પોતાના ઉપદેશ આપતા.
5. દાદુ દયાળ પરબ્રહ્મ સંપ્રદાય મુસ્લિમ હોવા છતા ઉર્દુ ભાષાની જગ્યા પર હિન્દી ભાષાનો ઉપયોગ કરતા.
6. બશ્વેશ્વર, માધવાચાર્ય અને નિમ્બકાચાર્ય દ્વારા તમિલ ભાષાનો ઉપયોગ જેથી વિષ્ણુ અને શિવ ભક્તિનો પ્રચાર થયો.
7. આ ઉપરાંત મહિલા ભક્તિ આંદોલનકારી દ્વારા ગુજરાતી અને વ્રજ ભાષા-મીરાંબાઈ, મરાઠી-બહેનાબાઈ જેવી ભાષાનો પ્રયોગ થયો.
ઉપરોક્ત પગલાંઓને કારણે પ્રાદેશિક ભાષા અને સાહિત્યને વેગ આપ્યો તેમ કહી શકાય. ઉપરાંત બ્રાહ્મણ, ક્ષત્રિય સાથે શુદ્ર અને વૈશ્ય વર્ગને પણ જ્ઞાન આપી માર્ગ ચીંધ્યો હતો.