ગુજરાતની આદિજાતિ સંસ્કૃતિની વિશેષ પ્રથાઓ પર નોંધ લખો

ગુજરાતની આદિવાસી સંસ્કૃતિ તેની વિવિધતા અને સુંદરતાથી કોઈનું પણ મન હરી લે તેવી છે. ગુજરાતમાં કુલ 25 જેટલા આદિવાસી સમૂહો આવેલા છે. જેમાંથી અનેક અતિ પ્રાચીન છે, જૂની પ્રથાઓ આજે પણ ચાલી આવે છે.

આદિજાતિ સંસ્કૃતિની વિશેષ પ્રથાઓ

ઘરજોણી : ખાસ કરીને ગામીતોમાં આ પ્રથા જોવા મળે છે. જેમાં સૌપ્રથમ વરપક્ષના લોકો કન્યાના ઘરે જાય અને ત્યારબાદ કન્યાપક્ષના લોકો વરના ઘરે કન્યાને લઈને જોવા આવે.

પીઠોરા ઉત્સવ : ખાસ કરીને રાઠવા જનજાતિ દ્વારા તેમના ઈષ્ટદેવ બાબા પીઠોરાને ઘરમાં શુભ પ્રસંગે કે લગ્ન સમયે ચીતરવામાં આવે છે. જેમાં ઘરની દીવાલ પર ગાર કરીને લખારા નામનો ચિતારો આ ચિત્ર દોરે છે. જે તેમને સુખ, સમૃદ્ધિ આપશે, તેવો તેમનો વિશ્વાસ હોય છે.

પચવી : વારલી લોકો નાગપંચમીના દિવસે નાગદેવતાથી બચવા તેમના શરીર પર છૂંદણા (ટેટુ) કરાવે છે અને નાગદેવતાની પૂજા અર્ચના કરે છે. તેમને શ્રદ્ધા છે કે નાગદેવતા તેમના સંતાનો અને પશુઓનું રક્ષણ કરશે.

દિવાસો ઉત્સવ : ખાસ કરીને દેવીપૂજક સમાજ દ્વારા દિવાળીના દિવસે જાતરપ્રથા નામની પશુબલીની વિધિ કરવામાં આવે છે.

ગોદડીનો ઝઘડો : દેવીપૂજક સમાજ દ્વારા જ લગ્નના સમયે કન્યા અને વરપક્ષ વચ્ચે મીઠો ઝઘડો કરવામાં આવે છે. જેનો હેતુ મનોરંજનનો હોય છે.

અંતિમયાત્રાની પ્રથા : ડાંગ જિલ્લાના આદિવાસીઓ કોઈના મૃત્યુ બાદ તેના શરીરના તમામ ઘરેણાં નીકાળી લેવામાં આવે છે અને તેની નનામી સાથે સ્મશાનમાં તેનો ખાટલો ઊંધો વાળી મૂકી દેવામાં આવે છે.

દાંપૂની પ્રથા : સુરત, ભરૂચના તડવી આદિવાસીઓ આ પ્રથા યોજે છે. જેમાં લગ્ન પહેલાં સગાઈ પ્રસંગે કન્યાને જોવા જાય ત્યારે બોલ બોલે છે અને પછી સવા રૂપિયો દાંપૂ આપે છે.

નાની પેન, મોટી પેન પરંપરા : ગુજરાતના આદિમ જૂથોમાં લગ્ન સમયે વરપક્ષ અને કન્યાપક્ષ વચ્ચે આ પ્રથા કરવામાં આવે છે.

વરસનો વરતારો : ડાંગના આદિવાસીઓ પાદરમાં ઈંડુ મૂકી તેના પર ગાયનો ધણ ચલાવી આવનાર વર્ષનો વરતારો જાણે છે.

આમ ગુજરાતની આદિવાસીઓની વિવિધતા જન્મ, મરણ, નામકરણ, લગ્ન તમામ પ્રસંગે વિવિધ પ્રથાઓ યોજે છે, જે આજે પણ અકબંધ છે.